Skip to main content

Featured

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન.

કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન ગાંધીનગરના ગિફ્ટ સિટી કલબમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જિલ્લામાં પ્રસશનીય કામગીરી કરનાર કપરાડા તાલુકાના કરજુન ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત રઘુનાથ ભોયાનું પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રઘુનાથ ભોયા હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે મળીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામે વિસ્તરે તે માટે કપરાડા, ધરમપુર, પારડી અને ચીખલી તાલુકાના ૧૫૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું હતુ અને એવોર્ડ પણ મેળવ્યા છે. હાલમાં તેઓ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સાથે સાથે કપરાડા તાલુકાના સહ સંયોજક તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરાતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી.   #GujaratInformation #CMOGujarat #CollectorValsad #Gu...

વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ અને ડિવોર્મિંગ દવાનું વિતરણ કરાયુ

 વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ અને ડિવોર્મિંગ દવાનું વિતરણ કરાયુ 

પૂર સમયે નીચાણવાળા વિસ્તારમાં ૩૫૭ પશુ અસરગ્રસ્ત થતા ૨૦૫ પશુને સ્થળાંતરિત કરાયા હતા 

---- 

પૂર ઓસર્યા બાદ પશુઓમાં થતાં રોગો વિશે પશુ પાલકોને સમજણ આપવામાં આવી

---- 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૮ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસેલા અતિ ભારે વરસાદે ખમૈયા કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ કામગીરીથી માંડીને પીવાનું પાણી અને આરોગ્ય સ્વસ્થ રહે તે માટેના તમામ પગલા હાથ ધરાતા જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં વલસાડ તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પશુધન સુરક્ષિત રહે તે માટે સતર્કતાના ભાગરૂપે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુઓનું સ્થળાંતર કરાયુ હતુ પરંતુ હવે સ્થિતિ રાબેતા મુજબ બનતા પશુચિકિત્સકોની ટીમ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.  

વલસાડ તાલુકાની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરી વિસ્તારનાં મોગરાવાડી, કૈલાશ રોડ અને યાદવ નગર વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોનાં કુલ ૩૫૭ પશુ અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી ૨૦૫ પશુને ગુંદલાવ ગોડાઉનની જગ્યામાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના પશુઓના સ્થળે ૧ ફુટ જેટલુ પાણી ભરાયેલું હોવાથી પશુ માલિક દ્વારા સ્થાળાંતરિત કરવામાં આવ્યા ન હતા. જો કે વરસાદનું જોર ધીમુ પડતા ગુંદલાવ ગોડાઉનની જગ્યામાં સ્થળાંતરિત કરવામાં આવેલા પશુઓને પુન: તેઓની મુળ જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. 

વલસાડ જિલ્લા પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.જગદીશ વસાવાએ જણાવ્યું કે, પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ પશુપાલન શાખા દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. પુરના પાણી ઓસર્યા બાદ વલસાડ જિલ્લાનાં પશુપાલન વિભાગ દ્વારા પશુચિકિત્સકોની ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પશુઓના મરણ બાબતનો કોઇ બનાવ ધ્યાને આવ્યો નથી. વલસાડ તાલુકા સિવાય જિલ્લાના અન્ય કોઈ પણ તાલુકાઓમાં પશુ પુરથી અસરગ્રસ્ત થયા હોય તેવા અહેવાલ મળ્યા નથી. અસરગ્રસ્ત વિસ્તારના પશુઓમાં રોગચાળો ફેલાય નહી તેની તકેદારીના ભાગ રૂપે પશુચિકિત્સકોની ટીમ દ્વારા રસીકરણ તથા ડિવોર્મિંગ દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિમાર પશુઓને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. પુર વખતે પશુને કઇ રીતે બચાવી શકાય અને પુર ઓસર્યા બાદ પશુઓમાં થતાં રોગો વિશે પશુ પાલકોને સમજણ આપવામાં આવી છે. આવનારા સમયમાં વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાના પશુઓમાં રસીકરણ થઇ જાય તે બાબતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Comments